એ જ તારી પ્રીત છે ?
એ શું ફરતું ચગડોળ ? એ જ તારી પ્રીત છે ?
નસ નસમાં ફરતું ગોળ, એ જ તારી પ્રીત છે ?
આંખો ઢાળી છાનું છાનું ધીમું ધીમું બોલી
તું થાતી ઓળ ઘોળ એ જ તારી પ્રીત છે.
હું મનમાં ને મનમાં ઉડાડું ગુલાલો ને તું -
ત્યાં થાતી રાતી ચોળ એ જ તારી પ્રીત છે.
તારા મનનો મોર ચહેરા પર ટહુકે ને તારો -
ઊંઘી જવાનો ડોળ એ જ તારી પ્રીત છે
સખી મારી ભીતરમાં તું વરસે છે ઝીણું ઝીણું
હૈયું સીંચીને ઢોળ એ જ તારી પ્રીત છે.
અનરાધાર તરસતી મારી સૂની આંખ્યુંમાં તું
આંજે છે સપના સોળ એ જ તારી પ્રીત છે.
- અમિત ત્રિવેદી