Click to listen Audio  : કાગળ પર ચીતરેલી નદીઓને હોય……

કાગળ પર ચિતરેલી નદીને હોય કાગળની હોડીના અંજળ,
મારામાં જીવતી એક સોનેરી પળ એને સોનેરી શ્વાસોના ઝળહળ

વેદનાની વાવમાં ઉતરુ શું કામ
દરિયાનો છોરો હું તો દરિયો થઇ જાઉં
ધસમસતી નદીઓ પછી આવશે અપાર,
ધોધમાર વરસાદી સ્વપ્ન થઇ આવું

રોજરોજ મારામાં ભળશે એ પળ, ઝુકી ઝુમી પછી ભરશે વાદળ
મારામાં જીવતી એક સોનેરી પળ એને સોનેરી શ્વાસોના ઝળહળ

અંધારી રાતોમાં દીવા કરું
જોવા દીવા તળેનું અંધારું
ઘેર ઘેર દીવડાઓ પ્રગટે પ્રગટે
ને પછી અજવાળું થાતું સફ્યારું

રોજ રોજ મારામાં ઓગળી શકું, પછી અંધારા લાગવાના પોકળ
મારામાં જીવતી એક સોનેરી પળ એને સોનેરી શ્વાસોના ઝળહળ

– અમિત ત્રિવેદી