અમિત ત્રિવેદી
રચિત ગઝલ અને ગીત

May
14

અમે વડોદરાના રહેવાસી …..

અમે  વડોદરાના  રહેવાસી,અમે  વડનગરીના રહેવાસી

એક    બીજાને  કેમ   છો  પૂછી   હસ્તો   રમતો  માણસ
સયાજીરાવનો   વારસ  થઈને   વટથી   ફરતો માણસ

સાત   સાત  સૂરો    લઇને   મધ્યે   ઘૂઘવે    સૂરસાગર
નોરતામાં     જોબન    ઘૂમે     પગમાં    પ્હેરી    ઝાંઝર

એક   એકથી   સવાયો   થઇને  ડગલું   ભરતો   માણસ
એકેક   ઘરમાં   આશની   વાટે    દીવો   કરતો   માણસ

ધોમ  ધખતા  વૈશાખ  મહીં   આ   બળબળતો   માણસ
એકબીજાનો   છાંયો  થાવા   વડલો    બનતો    માણસ

સત્યમ     શિવમ  સુન્દરમથી     ગુંજે    ઘુંમટ     ગોળ
સગપણ   સઘળાં   ભેગા    થઈને   થાતાં    ઓળઘોળ

- અમિત ત્રિવેદી

<!–[if gte mso 9]> Normal 0 false false false EN-US X-NONE GU MicrosoftInternetExplorer4 <![endif]–><!–[if gte mso 9]> <![endif]–> <!–[endif]–>

અમે વડોદરાના રહેવાસી …..

અમે વડોદરાના રહેવાસી

અમે વડનગરીના રહેવાસી

હેલ્લો વડોદરા ! કેમ છો વડોદરા ?

એક બીજાને કેમ છો પૂછી ફરતો હરતો માણસ

સયાજીરાવનો વારસ થઈને વટથી ફરતો માણસ

સાત સાત સૂરો લઇને મધ્યે ઘૂઘવે સૂરસાગર
નોરતામાં જોબન ઘૂમે પગમાં પ્હેરી ઝાંઝર

એક એકથી સવાયો થઇને ડગલું ભરતો માણસ
એકેક ઘરમાં આશની વાટે દીવો કરતો માણસ

વૈશાખી બપ્પોરે આભથી ઝરતો બળબળતો અંગાર

એકબીજાનો  છાંયો  થાવા  વડ  થઇ  કરતો ટંકાર

સત્યમ શિવમ સુન્દરમ નાદથી ગુંજે ઘુમ્મટ ગોળ
સગપણ સઘળાં ભેગા થઈને થાતાં ઓળઘોળ

- અમિત ત્રિવેદી

May
12

આજ અવસર છે અનેરો દાદાને દરબારે
ખુદ  યમરાજે   હોઠે   ધરી  છે    શરણાઇ

મારી   દીકરીની   શરણાયું  વાગીને
મારી લાડલી જુઓને કેવી છે શરમાઇ

મારી ખોવાયેલી દીકરીની આંગણી પકડી
હરિએ     વરસાવી    છે     દેવતાઇ    મ્હેર

અવસરો  તો   રૂડાં  અહીં   કે   તહી
પણ  જુઓને  એમાં  કેટલો  છે  ફેર

રેશમી  આ  જીવતરનું પાનેતર ઓઢી
લાડલી  જુઓને   કેવીક    છે  મલકાઇ

ડૂબતી આંખોને હવે  પાંપણના ફાફાં
પછી અવકાશમાં  ડૂબતુ  મારું  મન

કોઇ આવી પૂછે તો એને  હું  કહું
કેવાં રે  મેં  એનાં કર્યાં છે જતન

મારાં રૂંવે રૂંવે  પગટયા  દીવા  અખંડ
મારી ભીતરે વાગી  છે ઝીણી શરણાઇ

-  અમિત ત્રિવેદી

નોંધ  : ખૂબ જ નાની વયે વિદાય થયેલી   સ્વ. રાજીને અંજલિ  આપતું આ ગીત

May
04


મા ના આશિષ

ન   ભાસે   તને   દૂરનું    કદી   કોઇ   ઘોર   અંધકારે
તારલિયા    નભના   હંકારે   તારી    નૈયા   મઝધારે

તારાં   સપનાઓને  ઉઠાવે  સૃષ્ટિના  સઘળાં  પવન,
તું  ઉઠે, ઉડે,  અને   વિહરે બસ  એ જ   મારું   સ્તવન

તું  જ  તારો પથિક છે  જાણી, લઇ  લે તું આત્મશરણ,
પરમ શાંતિ,પરમ  સત્ય,  પરમ આનંદ આત્મશરણ

મૌન  વૃક્ષ   પર   ફૂલો  ખીલી ગાય છે મધુર  સંગીત,
કદીક  તું   પણ   મૌન  ધરી  ગા  જે  જીવન  સંગીત

હુંફાળા  હાથેથી   સતત  રમી   છું  તારા  અધરોથી,
સદા  વહે   સુંદર   દિવ્ય  પ્રાર્થના  તારા  અધરોથી

-  અમિત ત્રિવેદી

May
03

એ  શું  ફરતું ચગડોળ ? એ  જ તારી પ્રીત  છે ?
નસ નસમાં ફરતું ગોળ, એ  જ તારી પ્રીત  છે ?

આંખો   ઢાળી  છાનું  છાનું  ધીમું  ધીમું  બોલી
તું  થાતી  ઓળ  ઘોળ  એ  જ  તારી  પ્રીત  છે.

હું મનમાં   ને  મનમાં  ઉડાડું  ગુલાલો  ને તું -
ત્યાં  થાતી  રાતી  ચોળ  એ  જ તારી પ્રીત છે.

તારા  મનનો  મોર ચહેરા પર ટહુકે ને  તારો -
ઊંઘી  જવાનો ડોળ  એ  જ  તારી   પ્રીત  છે

સખી મારી  ભીતરમાં તું વરસે છે  ઝીણું ઝીણું
હૈયું  સીંચીને   ઢોળ  એ  જ  તારી  પ્રીત  છે.

અનરાધાર  તરસતી મારી  સૂની આંખ્યુંમાં તું
આંજે  છે  સપના  સોળ  એ જ તારી પ્રીત છે.

-  અમિત ત્રિવેદી

Apr
30

સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે  આપ સૌ મિત્રોને શુભેચ્છા. સ્વર્ણિમ ગુજરાતની જ્યારે શાનદાર ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે ત્યારે સાહિત્ય ક્ષેત્રે પણ સાચા અર્થમાં સ્વર્ણિમ થાય એ હેતુથી અમે સાહિત્યની પાઠશાળા શરુ કરી રહ્યા છે જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતી ભાષા અને સંગીતથી વિમુખ થતી આજની પેઢીને ગુજરાતી ગીત, ગઝલ અને સાહિત્ય વિશે માહિતી આપી, ઓનલાઈન પદ્ધતિસરનું માર્ગદર્શન આપી આ ક્ષેત્ર તરફ પ્રવૃતિમય કરવા. `સાહિત્યની પાઠશાળા’ શીર્ષક હેઠળ શરુ થનાર આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યના કેટલાક અનુભવી અને વિદ્વાન વ્યક્તિઓ ઓનલાઈન ગીત, ગઝલ વિશે જાણકારી આપશે. નવોદિતો જેઓ ગઝલ શીખવા માગે છે તેમને ગઝલના છંદ વિશેની સંપૂર્ણ માહિતી અહીં ઓનલાઈન શીખવા મળશે…… ટૂંક સમયમાં શરુ થઈ રહી છે `સાહિત્યની પાઠશાળા’….   આ વિશે આપના પ્રતિભાવો ઈમેલ કરો.

 ——–000——-

મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી્ શકું છું.

મમ્મી બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં મમ્મી કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી -
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.

બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે લાયંસ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ડિશ શીખવા ‘ cooking class’ માં ગઈ નહોતી
છતાં ઈંગ્લિશ નામ ખડ્કયા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.

મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.

-   વિપિન પરીખ

Apr
16

 

એ  ભલે લાંબા સમયથી બંધ હો  પણ આખરે,
એક પગરવ માત્ર પગરવ બારણાં ખોલી જશે

સ્વપ્નમાં  તું કોઇ’દી આવી મને મળ તો ખરી
તું  દરિયામાં  ડૂબતો માણસ બચાવી પણ શકે

હસ્તરેખાઓ  જો  બદલી  ના  શકે તો શું થયું?
શક્ય  છે  કે  એક  ટહુકો  આયખું   બદલી શકે

મારા    માટેની   બધાની   લાગણીને  જાણવા
એક  પળ  મૃત્યુ  પછીની  જીવવા  તું  આપજે

 - અમિત ત્રિવેદી

Apr
10

મંત્ર  જ્યાં  એ બોલે છે મિચ્છામી દુક્કડમ્
રસ્તાં નવાં  ખોલે  છે   મિચ્છામી દુક્કડમ્

વાણીથી   કરવતની   ધારે    કાપે  પછી
હસ્તા હસ્તા  બોલે  છે  મિચ્છામી દુક્કડમ્

ક્ષમાનો   સૂરજ   સંબધની  ક્ષિતજે ઊગી
બંધ  બારી  ખોલે  છે  મિચ્છામી  દુક્કડમ્

એક   પલ્લામાં   પથ્થર  રાખીને  માણસ
ફૂલોના  ઢગ  તોલે  છે  મિચ્છામી દુક્કડમ્

જે   અંદરથી     ઘૂં ટાયો  છે  એને   ખોલો
અવસર આવી બોલે છે મિચ્છામી દુક્કડમ્

રાઇનો  પર્વત  થૈ  ખીણોમાં  પડઘાય  છે
પર્વત શાને બોલે છે ?  મિચ્છામી દુક્કડમ્

ઝીણા  ઝરમર  વરસે  નેવાં  આજે વ્હાલાં
અવસર આવી ડોલે છે  મિચ્છામી દુક્કડમ્

-  અમિત ત્રિવેદી

Apr
06

પોકળ શબ્દો લઈ તું બોલે ના જા
છળ લઈ તું ઈશ્વરના ખોળે ના જા

એક વેળા તું ઈશ્વરને પણ સાંભળ
ટેવવશ તું  મંદિરમાં બોલે ના જા

તું  એના  ખોળે  દોડે  ને   બોલે
હું  જે  બોલું  છું  તે તોલે ના  જા

રમત જો એ  તારી  સાથે માંડે તો
અવસર છોડી  ને  તું  દોડે ના જા

રામ  કહે  જો  તું  આંખો મીંચીને
રાવણની  આંખો  તું ખોલે ના જા

દોડે  ખોળે   ખોલે   તોલે   બોલે
કેવળ  અટકળ માંડી  દોડે ના જા

- અમિત ત્રિવેદી

Apr
06

છેવટે   ઈશ્વર    અહીં    જીતી  ગયો,
મારી  શ્રધ્ધા  છીનવી  ચાલી ગયો.

પાંપણે    તો    ઊંચકી   ફરતો  રહ્યો,
કાંધ    થોડી   આપતાં   થાકી  ગયો.

કંકુ    થાપા    ઘરની   દીવાલે  હતાં ,
કાળ  તારો   હાથ   લઈ  થંભી  ગયો.

તું  ક્ષિતજને  પાર  જઈ  શોભી  રહ્યો?
આજ ત્યાં ઝળહળ  હતું  સમજી ગયો.

સ્તબ્ધ ઘરની  ખાલી  દીવાલો સુધી,
કોણ  આ  તસ્વીર લઈ આવી  ગયો ?

- અમિત ત્રિવેદી

Apr
04

હવે   સૂરજ    જરા    મોડો    પડે    છે  ઊગવા માટે
અમે  તો   રાતભર   જાગી    રહીએ    જાગવા માટે

અમે   તારે    ઈશારે    જિંદગીભર તો  રહ્યાં  દોડી
થયાં પગભર તો અંતે પગ છળે છે થાકવા માટે

છલકવું    કે    મલકવું    એ  હવે  તો લાગતું ખોટું
છતાં   ભીતર    બધું    દોડે  હજુ  શું તાગવા માટે?

વસંતો ખીલવા લાગી છતાં ભીતર હજી પતઝડ 
મળ્યું   છે   પાંદડું    પીળું    પગેરું   પામવા  માટે

અને    સૂરજ  ભલેને આથમી જાતો, તો મારે શું?
અડીખમ   છું,   ફરી  તું આવ  છાંયો માપવા  માટે

                                               – અમિત ત્રિવેદી

Follow

Get every new post delivered to your Inbox.